બંદિશ એક, રૂપ અનેક (૯૩) :”ज़िंदगी से बड़ी सज़ा ही नहीं “

ભારતના ચોટીનાં  ઉર્દુ શાયરોમાં લખનઉના શ્રી કૃષ્ણ બિહારી નૂર અવલ્લ નંબર પર આવે.

એક તરફ તેમની સુફિયાના અંદાજમાં રચેલી શાયરીઓ તો બીજી બાજુ હિન્દુ દર્શન અને અધ્યાત્મ ની વાત કરતી કવિતાઓ છે. એમની કાવ્ય રચનાઓ ખ્યાતનામ કલાકારો એ કંઠ આપ્યો છે અને સંગીતકારો એ સ્વરબધ્ધ કરેલી છે.

એક સમય એવો હતો જ્યારે ગઝલ રચના ના આધાર સ્તંભ ગણાતા શ્રી નૂર સાહેબ ની હાજરી વિના કોઈ પણ મુશાયરો અધૂરો લાગતો. તેઓ મહેફિલ માં ખીલતા અને બહુ આનંદ અને પ્રેમ પૂર્વક  પોતાની રચનાઓ રજુ કરતા.

લખનઉ વિશ્વવિદ્યાલય માંથી બી. એ. ની ડિગ્રી મળ્યા પછી સરકારની નોકરી માં જોડાયા. પણ તેમનો ભાષાઓ હિન્દી અને ઉર્દુ પ્રત્યે નો શોખ બરકરાર રહ્યો

૧૯૪૭ની સાલ માં તેમના લગ્ન શકુંતલા દેવી સાથે થયાં. અને ત્યાર પછી નું જીવન હર્ષોઉલ્લાસ થી ભરપૂર રહ્યું. શકુંતલાજી કૃષ્ણ બિહારી નાં સહધર્મચારિણી સાથે એક નજીકની દોસ્તી છે તેમ તેઓ કહેતા.

૧૯૮૨માં શાકુંતલાજીનો સ્વર્ગવાસ અને તે પછીના વર્ષમાં નોકરી માંથી નિવૃત્તિ. અહીં સંતાનો નો સહવાસ અને સહકાર ને લીધે તેમની લખવાની પ્રવૃત્તિ સવેગ ચાલુ રહી. ૩૦ મે, ૨૦૦૩. ગાઝીયાબાદમાં એક મુશાયરામાં પોતે ગઝલ પેશ કરી, પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા, તેમણે એક બે મુક્તકો રજુ કર્યાં. અને ફરમાઈશ ઉપર ફરમાઈશ આવતી ગયી. તેઓ એકદમ ચૂપ થઇ ગયા. પ્રેક્ષકો ની માફી માગી. પોતાની ખુરશી પર બેસી ગયા. વહેલી સવારે ગાઝીયાબાદ સરકારી હોસ્પિટલમાં હૃદયરોગ ના હુમલાથી તેમનું અવસાન થયું.

તેમના  પ્રકાશિત થયેલ સંગ્રહ મુખ્ય છે :

दु:ख-सुख (उर्दू),तपस्या (उर्दू), समंदर मेरी तलाश में है (हिंदी),हुसैनियत की छाँव में, तजल्ली-ए-नूर, आज के प्रसिद्ध शायर कृष्ण बिहारी ‘नूर’ (संपादन-कन्हैयालाल नंदन)

– માહિતી શ્રી કનૈયાલાલ નંદન નાં પુસ્તકમાંથી

કવિ શ્રી ક્ર્ષ્ણ બિહારી નૂર ની લોકપ્રિય નઝ્મ પૈકીની એક છે: “ज़िंदगी से बड़ी सज़ा ही नहीं” જે નામી સંગીતકારો એ સ્વરબદ્ધ કરી છે અને ગાયકોએ સ્વર આપ્યો છે. આજની પ્રસ્તુતિ માં આ રચનાઓ સાથે આસ્વાદ પણ માણીએ.

આ રચના નું શબ્દાંકન:

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं

और क्या जुर्म है पता ही नहीं II

 

 इतने हिस्सों में बट गया हूँ मैं

मेरे हिस्से में कुछ बचा ही नहीं II

 

 ज़िंदगी मौत तेरी मंज़िल है

दूसरा कोई रस्ता ही नहीं II

 

सच घटे या बढ़े तो सच न रहे

झूट की कोई इंतिहा ही नहीं II

 

ज़िंदगी अब बता कहाँ जाएँ

ज़हर बाज़ार में मिला ही नहीं II

 

जिस के कारन फ़साद होते हैं

उस का कोई अता-पता ही नहीं II

 

कैसे अवतार कैसे पैग़मबर

ऐसा लगता है अब ख़ुदा ही नहीं II

 

चाहे सोने के फ़्रेम में जड़ दो

आईना झूट बोलता ही नहीं II

 

अपनी रचनाओं में वो जिंदा है

‘नूर’ संसार से गया ही नहीं II 

-ક્ર્ષ્ણ બિહારી “નૂર”

આ નવ પંક્તિ મુશાયરામાં કવિશ્રી રજુ કરતા. ગાયકો ચાર કે પાંચ પોતાના કાર્યક્રમમાં ગાતા જોવા મળે છે.

અહીં પ્રસ્તુત છે થોડી ચુનંદા શેર નો આસ્વાદ:

‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.

૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે.. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.

પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર  શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.

ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
और क्या जुर्म है पता ही नहीं

વાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!

રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી!  અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે.  ગુના વગરની સજાભરી સ્થિતિ છે  આ તો કેવો ન્યાય છે?!

જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.
“જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે.
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”

બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,

इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं

આમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ,  વ્યક્તિ માત્રનું જુદા જુદા રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર  હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.

ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને?  એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે, કસોટી સચ્ચાઈની જ થયા કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं.

કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી.  મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”

આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?

‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!

ઑર મઝાની વાત તો છેલ્લે  આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,

अपनी रचनाओं में वो ज़िन्दा है
‘नूर’ संसार से गया ही नहीं .

કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા  સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.

દેવિકા ધ્રુવ (હ્યુસ્ટન)

શરૂઆતમાં શ્રી કૃષ્ણ બિહારીજીને એક મુશાયરામાં સાંભળીયે:

સિતાર નવાઝ સ્વ. શ્રી વિલાયત ખાં ના સુપુત્ર ઉસ્તાદ સુજાત હુસેનખાં, ગઝલ ગાયકી અને સિતાર વાદન માં પારંગત, દેશ – પરદેશ માં સંખ્યાબંધ સંગીત ને લગતા પ્રોજેક્ટ માં જોડાયેલા

સૂર, તાલ ના બાદશાહ ની  એક યાદગાર પ્રસ્તુતિ:

રાજસ્થાન માં વસેલા શ્રી ગંગાનગર માં જન્મેલા, મલ્હાર ઘરાના – ખયાલ, ધ્રુપદ અને ઠુમરી માં માહિર શ્રી જગજીત સિંહ ધીમન :

આ થોડી નાટકીય પ્રસ્તુતિ છે, પાશ્વમાં રીયાઝ કવ્વાલી નું ગાન સંભળાય છે. આ યુવા ગાયકો ની ટીમ “રીયાઝ કવ્વાલ” હ્યુસ્ટન વિશ્વવિદ્યાલય ભણતા વિદ્યાર્થીઓ એ શરૂ કર્યું. થોડા વર્ષો પહેલા એક કાર્યક્રમમાં નરસિંહ મહેતા રચિત, ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન” કવ્વાલી રૂપે પેશ કરી પ્રેક્ષકો ની જોરદાર દાદ મેળવેલી. YouTube ઉપર એની મજા આપ પણ માણી શકશો. અહીં સાંભળીયે તેમનાં અવાજમાં આજની બંદિશ:

પાશ્વ ગાયક શ્રી આશિષ શ્રીવાત્સવ

નૈનિતાલ માં જન્મ, લખનઉ ના ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ, પંજાબ નું શામ ચોરાસી ઘરાના,  હવે આપણી આ મહેફિલ માં આવે છે શ્રી અનુપ જલોટા. અનુપજી એ થોડાં વર્ષ અમરેલી જિલ્લામાં આવેલા સવાર કુંડલા માં વિતાવેલા.

ગાયક શ્રી શેખાવત ખાં, સંગતમાં  બાંસુરી પર શ્રી રાજેશ પ્રસન્ના અને તબલા પર શ્રી અર્શદ ખાં:

મથુરા, વૃંદાવન ના એક સમયના નિવાસી કૃષ્ણ પ્રેમી ભજનિક સ્વ. શ્રી વિનોદ અગરવાલ

ગાયક અને સંગીતકાર શ્રી રાજેશ પનવાર

સાલ ૨૦૦૫ ની એક પ્રતિષ્ઠિત સંગીત સ્પર્ધા ના વિજેતા, મુંબઈ નિવાસી શ્રી નાનું ગુર્જર

શ્રી દેબત્રિતા મુખરજી

મુંબઈ સ્થિત શ્રી યુસુફ આઝાદ કવ્વાલ ને સાથીદારો

કર્ણપ્રિય અવાજના માલિક  ડૉ. અનામિકા સિંઘ

સરસ્વતી સંગીત કેન્દ્ર, રુરકી, ઉત્તરાખંડ , નાં ગાયક અને સંગીતકાર શ્રી ધર્મદત્ત સહગલ,

ડો. રાજ પ્રભા પાણીગ્રહી

તેમના સમકાલીન કવિ શ્રી મેરાજ ફૈઝાબાદી  કૃષ્ણ બિહારી “નૂર”ને અંજલિ આપતા કહે છે કે:

“होंठों पर मुस्तक़िल खेलती हुई हँसी, चेहरे पर ऋषियों जैसा सुकून और पवित्रता, आँखों में लम्हा भर चमक  कर बुझ जाने वाले साये-तारीकियों के इस युग में बीती हुई पुरनूर सदियों का सफ़ीर (રાજદૂત),  एक फ़नकार, एक इन्सान, एक फ़कीर…’
एसा था ‘नूर’ लखनवी का व्यक्तित्व ।


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.